Election Banner

ભાજપે જીતીને ખુશ અને કોંગ્રેસે હારીને પણ હતાશ નથી થવાનું

- બંને પક્ષોએ કુછ ખોયા કુછ પાયા

- વર્ષ ૨૦૧૮માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ વિધાનસભા

અમદાવાદ, તા.18 ડિસેમ્બર 2017,સોમવાર

ગુજરાત વિધાનસભાના ચૂંટણીનું ભારે ઇંતેજારી બાદ પરિણામ આવી ગયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેમ્પમાં કંઇક આવું મનોમંથન ચાલતું હશે.

કોંગ્રેસમુક્ત ભારત નહીં પણ નવસર્જન

કોંગ્રેસમુક્ત ભારતના નારા સાથે ૨૦૧૪માં સત્તા પર આપેલા ભાજપને સમજાયું હશે કે ભારત તો દૂરની વાત થઇ પણ તેના ગઢ જેવા ગુજરાતને પણ કોંગ્રેસમુક્ત કરી શકાયું નથી. અગાઉની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને જે હદે નાલેશી કે સફાયો થયો હતો તેની તુલનામાં ગુજરાતમાં આ વખત કોંગ્રેસે નવસર્જનની હવાને તો જન્મ આપ્યો જ છે.

કોંગ્રેસની મતોની ટકાવારીનો આંક ૨૦૧૨ના ૩૯.૯૩ હતો. જે આ વખતે ૪૨.૦૫ પર પહોૅંચ્યો છે.

મોદી મેજિકની પણ એક મર્યાદા જ છે

એ વાતથી તો સંમત થવું જ પડે કે ભાજપને જે પણ ૯૯ બેઠકો મળી છે તેમાં મતદારોએ ભાજપના ઉમેદવારને જોઇને નહીં પણ મોદીની ચાહના, પ્રતિભાથી અંજાઇને કે પછી આપણો નેતા વડાપ્રધાન તરીકે મજબુત થતો હોય તો તેને મજબુત કરીએ તેવી ભાવના કામ કરી ગઇ છે. મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે ૨૦૧૨માં ૧૧૫ બેઠકો મેળવી હતી. ક્રમશઃ પ્રત્યેક ચૂંટણીમાં તે ઘટતી જાય છે. આ વખતે મોદીની વિરૃધ્ધમાં સોશિયલ મીડિયામાં ગુજરાતના નાગરિકોએ જ તેમની ફીરકી ઉતારી હતી. વિકાસ ગાંડો થયો છે અને ફેંકુની જોક પણ ચાલી. આમ છતાં મોદીને જાણે  સહકાર આપતા હોય તેમ આટલી બેઠકો મતદારોએ આપી છે. હવે ફરી આવા જ સંજોગોમાં અને નાગરિકોની સ્થિતિ વચ્ચે જો તે મત માંગવા આવે તો તેને નક્કર કામ બતાવ્યા સિવાય મત નહીં જ આપે. ભાજપની બેઠકો જોતા એમ કહી શકાય કે મોદીના મેજિકની પણ એક લીમીટ છે.

ગુજરાતને હવે ભાજપનો ગઢ ના કહેવાય

ગુજરાતના ભાજપના ગઢને ગબડાવવાથી કોંગ્રેસ થોડી વધુ એડી ચોટીનું જોર લગાવવામાં નિષ્ફળ રહી પણ ગઢમાં આવીને કોંગ્રેસ કાંગરા ખેરવી ગયું તેવું પરિણામ આવ્યું. પરિણામના આંકડા જોતા ભાજપને ઉજવણીનો મૂડ કે કેફ નથી રહ્યો. ગુજરાત ભાજપનો  ગઢ તો ન જ કહી શકાય.

ભાજપના સમર્થકો પણ અંદરખાને ખુશ

ભાજપના સમર્થક મતદારો અને કાર્યકરો પણ આ પરિણામથી ખુશ છે. તેઓ એવું કહેતા સાંભળી શકાતું હતું કે ''અમે ભાજપ જીતે તેમ જ ઇચ્છીએ છીએ પણ જે રીતે પક્ષના નેતાઓમાં, હાઇકમાન્ડમાં એક પ્રકારનો મદ આવી ગયો હતો તે જોતા તેઓને થોડા ધરતી પર લાવવાની જરૃર હતી. તંદુરસ્ત લોકશાહી માટે પણ કોંગ્રેસ બેઠો થાય તે જરૃરી હતું.''

ભાજપને હરાવી શકાય

ગુજરાતની ચૂંટણીના આજના પરિણામ પછી કોંગ્રેસ સહિત અન્ય રાજ્યોના વિરોધ પક્ષોને એવી આત્મ શ્રધ્ધા પ્રગટી હશે કે જો વ્યૂહાત્મક અને આયોજનબધ્ધ રીતે ભાજપ સામે ઝંપલાવીએ તો તેને હરાવી પણ શકાય છે. પ્રત્યેક વખતે મતદારોની આંખોમાં ભૂરકી નહીં નાંખી શકાય. આવતા વર્ષે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ નવી ચેતના અને આશા સાથે ઉતરી શકે તેવું આ પરિણામ છે. ગુજરાતનું જોઇ અન્ય રાજ્યના મતદારો પણ મોહભંગ અવસ્થા કેળવી આગળ આવી શકે છે.

રાહુલની હિન્દી ભાષા સામે મોદી ગુજરાતીમાં કનેક્ટ

ભાજપ કેડર બેઝ્ડ પાર્ટી છે. મોદી ઈમેજ ઊભી કરે તે પછી મતદારોના સતત સંપર્કમાં રહી કાર્યકરો કે જે તે સેન્ટરના કેડર તેઓનો વિશ્વાસ ટકાવી રાખે છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ભારે શ્રમ ખેડયો. રેલીઓ યોજી, મંદિરોની મુલાકાત લીધી પણ તે પછી જે તે ગામમાં કોઇ કોંગ્રેસનું કેડર પ્રકારનું એકમ કે સંકલન ન હતું. કોંગ્રેસના ગુજરાતના નેતાોએ જાણે રાહુલ ગાંધી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી પર જ છોડી દીધું હતું. રાહુલ ગાંધીને ભાષાની મર્યાદા નડી. તે હિન્દીમાં ભાષણ કે સંપર્ક કરે જ્યારે મોદી ગુજરાતીમાં કનેક્ટ થઇ જતા હતા. કોંગ્રેસના રાજ્યના નેતાઓ ગુજરાતીમાં પણ ભાષણ કે સંપર્ક સેતુ નથી કેળવી શકતા.

અંતરિયાળ ગામડાઓ ભાજપથી વિમુખ

ભાજપને જે પણ સાંકડી બહુમતિ મળી છે તે શહેરી વિસ્તારના કે સેમી અર્બન સેન્ટરોમાં થયેલી જીતને આભારી છે. ગ્રામજનો, ખેડૂતો ભાજપથી નારાજ છે. સૌરાષ્ટ્રમાં પડેલો ફટકો ઉલ્લેખનીય છે. મજાની વાત એ છે કે સૌરાષ્ટ્રના પાટીદારો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેતી છોડીને ધંધો કરે છે તેઓને સુરતમાં મેટ્રો પ્રકારનો મૂડીવાદી વિકાસ સ્પર્શ્યો અને ભાજપને મતો આપતા હાર્દિક પટેલનો પાવર ઉડી ગયો જ્યારે ખરેખર ધરતી જોડે જ જોડાઇને રહેલા સૌરાષ્ટ્રના ગ્રામજનો અને ખેડૂતોની વાસ્તવિકતા કડવી છે તેઓએ ભાજપને જાકારો આપ્યો છે. ભાજપે લોકસભામાં પકડ જાળવવી હશે તો આ વર્ગની જરૃરિયાત સંતોષવી પડશે.

અને છેલ્લે... રાહુલ હવે પપ્પુ નથી

જેમ મોદીના કારણે ભાજપને બેઠકો મળી તેમ કોંગ્રેસનો આ દેખાવ આશ્ચર્યજનક રીતે અત્યાર સુધી જેમને છૂપાવવા પડતા હતા તે રાહુલ ગાંધીને આભારી છે. કોંગ્રેસના નેતાઓ અને તેમના માતુશ્રી સોનિયા ગાંધીને પણ નવાઇ લાગે તેમ રાહુલ ગાંધીમાં મોદીને પણ હંફાવી શકે તેવા નેતાનું મેક ઓવર સ્વરૃપ જોવા મળ્યું. તે મતદારો જોડે કનેક્ટ થતો હતો. તેની સ્પિચ, બોડી લેંગ્વેજ તેમજ વ્યક્તિત્વનો નિખાર, કુલનેસ જોતા ભાજપ અને મોદી હવે તેને 'પપ્પુ' તો નહીં જ કહી શકે...

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર